શ્રી એ.ટી.એસ.પી.નવદુર્ગા મંડળ


ગુર્જર પતિ સિદ્ધરાજે સંવત ૧૨૦૨ માં રૂદ્રમહાલયનો જીર્ણોધ્ધાર કરેલો ત્યારે ઉત્તરભારત ગંગા યમુનાના કિનારેથી ૧૦૩૭ બ્રાહ્મણો બોલાવેલા. તેમાંના ૩૭ બ્રાહ્મણો ટોળકીયા બન્યા. આ બ્રાહ્મણોને સિદ્ધરાજે ગુજરાતમાં વસવાટ કરવા માટે આગ્રહ કર્યો અને લાલ પાન ના બીડામાં સૌને નદીકિનારાના પ્રદેશો વાળા ગામ ભેટમાં આપ્યા. યજ્ઞના ત્રીજા અધિકારી આચાર્ય સૂર્ય શર્મા હતા. તેઓ પૌલત્સ્ય ગોત્રના હતા. તેઓ મેશ્વોનદીના કિનારે નીલકંઠ મહાદેવ પાસે કનીજ ગામમાં વસેલા. પૌલત્સ્ય ગોત્ર  નો ગોત્રોચ્ચાર :

પૌલત્સ્ય ગોત્રોત્પનમ ઓમ પૌલત્સ્ય ગોત્રસ્ય ઔર્વ આપ્નાવાન
જમ્દ્ગ્નિતી શાખા યાજુર્વેદાન્તગર્ત વાજ્સ્નેહી માધ્યાન્દીનીશાખાધ્યાયીનમ 
(અમુક્ષમાંહમ) સર્વત્ર શુભફળપ્રીત્યર્થે જપે પાઠે (વા, ધ્વાન્મ નાસે) વિનીયોગા:

આચાર્ય સૂર્ય શર્માનો વંશ ઘણો વૃદ્ધિ પામ્યો. જે ગામ માં આ વંશના લોકો ધંધાર્થે જઈને વસ્યા તે ગામમાં પૌલત્સ્યોની જુદી જુદી શાખાઓ થયી. બીલીપરામાં ગયા તે બીપ્પર, વિરામ ગમીયા, રઢુચિયા, વાસનીયા, ત્રાન્જીયા, અલીન્દ્રિયા, નવાગામીયા, મહેમદાવાદી, મુમાધિયા, કોચાર્બીયા, પેથાપુરીયા, વગેરે. 

કનીજમાં પૌલત્સ્યોની વસ્તી ઘણી મોટી હતી. કનીજમાં ૫૨ ખડકીઓ હતી. ગામનું મુખીપણું પણ પૌલત્સ્યોની પાસે હતું. ગામમાં નવદુર્ગામાનો ચોતરો તથા વ્યાસ કુઈ હતા. કનીજ પૌલત્સ્યોનું અસલ ગામ પાદર છે. ગુર્જર પતિ સિદ્ધરાજે રૂદ્રમહાલયનો જીર્ણોધ્ધાર કરાવેલો તે સમયે, આપણા કોઈ પૂર્વજે આપણી કુલેશ્વારી માં ભગવતી નવદુર્ગાનું મૂર્તિ સ્વરૂપ યજ્ઞ સમયેજ પ્રાણ પ્રતિષ્ઠા કરી તેનું પૂજન-અર્ચન કરેલું. તેવી અસંદિગ્ધ શક્યતાને સમર્થન મળે છે. કારણકે આપણી આ પંચધાતુની માડીની મૂર્તિ પાછળ ઈ.સ. ૧૨૦૭ ની સાલ અને પૌલત્સ્યોની કુળદેવી લખેલ છે. 

કાળક્રમે ગુજરાતમાં પરધર્મી રાજ્ય અને રાજકીય અંધાધુંધી (મોહમ્મદ બેગડાનો) સમયે પોતાની તથા પૂજ્ય માડીના સ્વરૂપની સહીસલામતી માટે આપણા પૂર્વજોએ કનીજથી નીકળી ગયેલા અને અન્યત્ર નિવાસ કરેલો. (આજે પણ કનીજમાં એકપણ પૌલત્સ્યનો વસવાટ નથી). ઈ.સ. ૧૨૦૦ થી ૪૦૦ વર્ષ સુધીનો કોઈ ઈતિહાસ પ્રાપ્ત નથી. ૧૬ મી સદીમાં પૂજ્ય માડી ધોળકામાં વસતા-બિરાજમાન હતા અને ૧૮ મી સદીમાં પૂજ્ય માડી વિરમગામ મુકામે બિરાજમાન હતા. તેવી આપણા વડીલો દ્વારા મળતી માહિતી મુજબ હકીકત પ્રાપ્ત થાય છે. 
પૂજ્ય માડી વિરમગામમાં બિરાજમાન હતા ત્યારે ત્યાના પૌલત્સ્ય ગોત્ર પરિવારને ત્યાં પ્રસંગ આવે ત્યારે પોતાને ત્યાં પધરામણી કરાવતા, પૂજન-અર્ચન થાય અને બીજા પૌલત્સ્યને ત્યાં પ્રસંગ આવે ત્યારે તે પૂજ્ય માંડીને પોતાને ત્યાં લઇ જાય. આ પ્રણાલિકા ત્યાં ૧૫૦ વર્ષ સુધી ચાલી. આ નિજધામ કનીજ મુકામે "માં" પધાર્યા તે પહેલા વિરમગામ શ્રી રતિલાલ સોમનાથ વ્યાસને ત્યાં હતા. પોતાની સ્વ પ્રેરણાથીજ પોતે કનીજ મુકામે પધાર્યા હતા. 

પૌલત્સ્ય ગોત્રના સ્વ. શ્રી બાલકૃષ્ણ નાગેશ્વર વ્યાસ સરકારી લેન્ડ રેકોર્ડમાં નોકરી કરતા હતા. ૧૯૫૪ માં તેમની બદલી વિરમગામ થયી. તેમને પ્રોપર્ટી રજીસ્ટરમાં "સમસ્ત પૌલાત્સ્ય ગોત્રના શ્રી નવદુર્ગા માતા, વહીવટદાર શ્રી સોમનાથ અમૃતલાલ વ્યાસ નું પાનું જોયું. જેમાં આપણા ગોત્રના બે પરિવારોએ બે મકાન પણ માતાજીને અર્પણ કરેલા. પૂજ્ય બાલકૃષ્ણ નાગેશ્વર વ્યાસ ને શ્રી બાલાશંકર સોમનાથ પંડ્યાનો સથવારો મળ્યો. વાત ચર્ચાનો વિષય બનતા વડોદરાના પૌલાત્સ્ય ગોત્રના બ્રાહ્મણોએ એકઠા મળીને ૧૯૫૬ માં નવદુર્ગા મંડળની સ્થાપના કરી. અમદાવાદ ખાતે ૨૩-૧૧-૧૯૫૭ ના રોજ પૌલાત્સ્ય ભાઈઓની સભા મળી જેમાં પ્રથમ પ્રમુખ તરીકે વડોદરાના શ્રી હીરાલાલ ગણપતરામ વ્યાસની નિયુક્તિ કરી. તા.૧૧-૦૫-૧૯૫૮ ની સભામાં કનીજ ખાતે જમીન પ્રાપ્ત કરી. પૂજ્ય માંડીને નિજધામ કનીજમાં લાવવા માટેની વ્યવસ્થા કરવાનો ઠરાવ થયો. કનીજમાં પૂજ્ય શ્રી પુરષોત્તમલાલજી મહારાજે જમીન માટેની વ્યવસ્થા ગોઠવી આપી. કામ હાથપર લેતા પૂજ્ય શ્રી લાભશંકર પુરાણીએ મંદિરનો પ્લાન બનાવી કામકાજ સોમપુરાને સોંપ્યું. ભંડોળને છલકાવવા માટે પૂજ્ય શ્રી જયંતીલાલ નાથાલાલ વ્યાસ, શ્રી ઇન્દુભાઇ શિવશંકર વ્યાસ, બાલકૃષ્ણ વ્યાસ, જીવનલાલ વ્યાસ, અર્જુનનારાયણ વ્યાસે ગામે ગામ અને શહેરોમાં ફરી મોટું દાન પ્રાપ્ત કર્યું તેમનું યોગદાન મંડળ ક્યારેય ભૂલી શકે તેમ નથી. 

મંદિરના બાંધકામની સંપૂર્ણ જવાબદારી શ્રી બાલાશંકર સોમનાથ પંડ્યા અને શ્રી નર્મદાશંકર વ્યાસે ઉપાડી લીધી અને ૧૯૭૨ માં સુંદર-સુશોભિત મંદિર તૈયાર કરી બતાવ્યું. 

૧૯૭૨ માં પૂજ્ય માંડીને નિજધામ કનીજમાં લાવવા માટેનું કાર્ય આરંભાયું. ૦૨-૧૦-૧૯૭૧ ના રોજ વિરમગામ થી સવારે ૦૮-૧૫ કલાકે શોભાયાત્રા નીકળી. બેન્ડવાજા, શરણાઈ, ઢોલ, ગરબા અને રાસ સાથેની શોભાયાત્રાનો પ્રસંગ આપણા વડીલો માટે અવિસ્મરણીય હતો. વિરમગામના અન્ય જ્ઞાતિના લોકોએ પણ શોભાયાત્રામાં ભાગ લીધો હતો. ત્યાંથી નીકળી પૂજ્ય માડી અમદાવાદ, ખેડા, નડિયાદ, દેવ બારિયા, વડોદરા વગેરે સ્થળોએ શોભાયાત્રાના રૂપે ફર્યા. પૌલાત્સ્યોએ અને અન્ય ગોત્ર ના બ્રાહ્મણોએ પણ પધરામણી કરાવી. ૨૬-૦૧-૧૯૭૨ ના રોજ માડી અમદાવાદ થી સવારે ૧૦-૩૦ કલાકે કનીજ પધાર્યા. બીજા ૪ દિવસ કનીજમાં માડીના મંદિરે યજ્ઞ-યાગાદી, હવન-પૂજન થયા, જેમાં રોજ હજારેક માણસો ભાગ લેતા. તા.૩૦-૦૧-૧૯૭૨ મહા સુદ પૂનમ ના રોજ માડીનો પાટોત્સવ ઉજવવાનો હતો, જેમાં ૨૦૦૦ થી વધારે માણસો એકત્રિત થયા હતા. અનેરો ઉત્સવ ઉજવાયો. આજે પણ મહા સુદ પૂનમના રોજ નવચંડી યજ્ઞ સાથે પાટોત્સવ ઉજવાય છે. જેઠ સુદ પૂનમ માડીનો પ્રાગટ્યોત્સવ આજે પણ ઉજવાય છે. ચૈત્રી અને આસોની આઠમે હવન થાય છે. 

દાનનો પ્રવાહ પણ ખુબ આગળ ધપ્યો જેનાથી...
  1. પૌલાત્સ્ય પરિવારોના દાનથી મંદિરની આગળ આઠ રૂમો તૈયાર કરવામાં આવી છે. 
  2. શ્રી પ્રમોદરાય નાનાલાલ વ્યાસે ગેસ્ટ હાઉસ બનાવી અર્પણ કર્યું છે.
  3. પૌલાત્સ્ય પરિવારો અને અન્ય વ્યક્તિઓના દાનથી નવદુર્ગા હોલ તૈયાર કરવામાં આવ્યો છે.
  4. પૂજ્ય શ્રી શાંતાબેનના દાનથી "સ્વ. હરદેવભાઈ વ્યાસ હોલ" બંધાવી તેમને અર્પણ કરેલ છે.
  5. ગોધરાના વતની, હાલ ફિલાડેલ્ફિયામાં રહેતા શ્રી અશોકભાઈ વ્યાસે તેમના પિતાના સ્મરણાર્થે "હીરાલાલ મણીલાલ વ્યાસ ભોજન ખંડ" માટે રૂ. ૧,૧૧,૦૦૦/- દાન કરેલ છે. 
  6. શ્રી અવિનાશભાઈ વ્યાસે (લંડન) રૂ. ૭૦,૦૦૦/- નું દાન આપી ભોજન ખંડ માં ટાઈલ્સ લગાવી આપેલ છે, મંદિરને ઓઈલ પેઈન્ટ કલર કરાવી આપેલ છે.
  7. પૌલાત્સ્ય પરિવારજનો તરફથી પંખા, વાસણો, ખુરશીઓ તથા જરૂરી ચીજ વસ્તુઓના દાન નો પ્રવાહ ચાલુ જ રહે છે. પ્રમુખ સ્વ. શ્રી જશવંતરાય ચ. વ્યાસે ચલિત મૂર્તિ સાથે લંડન નો પ્રવાસ કર્યો હતો. જ્યાં શ્રી ગજેન્દ્રભાઈ વ્યાસનો સહકાર મળ્યો. મોટા ભાગનું દાન તેમના પ્રયત્નોથી મંડળને મળેલ છે.
  8. લંડન નિવાસી અને દેવ બારિયાના વતની શ્રી કૌશિકભાઈ અને શ્રીમતી ભારતીબેન વ્યાસ તરફથી રૂ.૨,૦૦,૦૦૦/- અને સીમાંપર્સન (લંડન) તરફથી રૂ. ૧,૦૦,૦૦૦/- દાનમાં મળેલ છે. શ્રી કૌશિકભાઈએ રૂ. ૧,૦૦,૦૦૦/- શિક્ષણ સહાય યોજનામાં પણ આપેલ છે. છેલ્લા ત્રણ વર્ષથી દર વર્ષે સહાય આપતા રહે છે. 
આ મંદિરમાં લગ્ન સમારંભો તથા જનોઈનો આયોજન સંપૂર્ણ સુવિધાઓ સાથે થાય છે. સમસ્ત બ્રહ્મ સમાજ માટે પ્રસંગો ઉજવવા માટે આપવામાં આવે છે. 

પૌલાત્સ્ય મહિલા મંડળનું સફળ સંચાલન શ્રીમતી કલાબેન જયકુમાર વ્યાસ અને પૌલાત્સ્ય યુવા સંગઠનનું સફળ સંચાલન શ્રી દિલીપભાઈ ઈન્દ્રવદનભાઈ વ્યાસ કરી રહ્યા છે. આ બંને મંડળો નવદુર્ગા મંડળના પ્રત્યેક પ્રસંગોમાં હાજર રહી સંપૂર્ણ જવાબદારી ઉઠાવી લે છે. 

- તા. ૦૬.૦૨.૨૦૦૪ ના રોજ પ્રસિદ્ધ કરેલ "પૌલાત્સ્ય શિક્ષણ સહાય યોજના ના દશાબ્દી અંક" માંથી લીધેલો આ લેખ છે. જેના સંકલનકર્તા   શ્રી જયેન્દ્રભાઈ બી. વ્યાસ, અમદાવાદ  છે.
_____________________________________________________________________________________________________

પ્રમુખસ્થાનેથી,


શ્રી ઔદીચ્ય ટોળક સમસ્ત પૌલત્સ્યના કુળદેવી શ્રી નવદુર્ગા માતાજીનું મૂળ  પ્રાચીન  સ્થાન  અને સમસ્ત પૌલત્સ્યોનું પાદર ગામ  કનીજ  તા. મહેમદાવાદ, જી. ખેડા હતું તેવી રૂઢ  માહિતી ઐતિહાસિક હકીકત હોઈ  શ્રી માતાજી પોતે કનીજમાં બિરાજમાન હતા, પરંતુ દેશકાળની સ્થિતિ સંજોગો અંગે શ્રી માતાજીને  પૌલત્સ્યોના પૂર્વજોએ  કનીજ થી ખસેડવા અને શ્રી માતાજીના સ્વરૂપની પાછળ  સંવત  ૧૨૦૭ની સાલ વાંચી શકાય તે હકીકતથી શ્રી માતાજી ૧૨૦૭ ની સાલમાં કનીજમાં બિરાજમાન  હતા અને તે અગાઉ પણ હશે તે ફલિત થાય છે. 

શ્રી નવદુર્ગામાં  ઔદીચ્ય ટોળક જ્ઞાતિ પેટા વિભાગ  " પૌલત્સ્ય" એ નામથી ઓળખાતા વિભાગની દરેક વ્યક્તિ-બાળક-સ્ત્રી-પુરુષ ના કુળદેવી છે અને પરંપરાથી શ્રી માતાજીની પૂજા, બધા તથા બાળકની બાબરી ઉતારવા, મુંડન કરાવવા તથા લગ્ન વિગેરે પછીની પગેલાગનાની, વિગેરેની ધાર્મિક વિધિઓ શ્રી માતાજી પાસે કરાવવાનો આ  " પૌલત્સ્ય" વિભાગની દરેક વ્યક્તિની ફરજ-હક અને અધિકાર છે. 

શ્રી ગજેન્દ્ર મંગલભાઈ વ્યાસ અને અ.સો. જશુમતી વ્યાસ "પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજના" નો  "દશાબ્દી સ્મૃતિ અંક' મહા સુદ પૂનમ, તા. ૦૬.૦૨.૨૦૦૪ ના રોજ વિમોચન કરેલ. આ સ્મરણિકા અંકના સંપાદકો શ્રી જયેન્દ્રભાઈ બી. વ્યાસ, શ્રી અશ્વિનભાઈ કે. વ્યાસ, શ્રી ગોવિંદભાઈ હ. વ્યાસ, શ્રી ગજેન્દ્રભાઈ એમ. વ્યાસ તથા શ્રી નવીનચંદ્ર બી. વ્યાસે ઘણી જહેમત ઉઠાવીને શ્રી નાવ્દુર્ગમાંનો ઈતિહાસ, શ્રી ઔદીચ્ય ટોળક સમસ્ત પૌલત્સ્ય મંડળ ની સ્થાપના અને વિકાસ તથા "પૌલત્સ્ય શિક્ષણ સહાય યોજના" ની સ્થાપના અને વિકાસની ગાથા સુરૂપે પ્રસિદ્ધ કરી હતી. જેનો આધાર લઇને આજરોજ જેઠ સુદ પૂનમ, તા. ૦૪.૦૬.૨૦૧૨ ના રોજ આપણી નવદુર્ગામાંના પ્રાગટ્ય દિવસે, આપણા મંડળની વેબસાઈટ www.atspnavdurgama.org નું પદાર્પણ કરતા ધન્યતા અનુભવું છું. 
આ વેબસાઈટના માધ્યમથી આપ શ્રી નવદુર્ગામાના દર્શન અને આશીર્વાદ તો લઈજ શકશો તદઉપરાંત આપણા મંડળ વિષે અગત્યની માહિતી, ઈતિહાસ, પ્રવૃત્તિઓ, પ્રસંગોની ઉજવણી વગેરે પણ જાણી શકશો. આપણા મંડળની પેટા પ્રવૃત્તિના ભાગ રૂપે "પૌલાત્સ્ય શિક્ષણ સહાય યોજના", માહિતી સંગ્રહ તથા સંપર્ક કેન્દ્ર વિષે વિસ્તૃત માહિતી અહીં આપેલ છે જેવીકે:
આ ઉપરાંત કેટલીક રસપ્રદ માહિતી અને લેખોનો સંગ્રહ આપ "માહિતી સંગ્રહ" અથવાતો "સંપાદિત લેખો" માંથી મેળવી શકશો.
પ્રવર્તમાન કારોબારી મંડળ 01/04/2018 થી 31/03/2021 

:કૃતજ્ઞ ભાવે:
અત્રે ઉલ્લેખનીય છે કે આ વેબ સાઈટ બનાવવા માટે પૂરું માર્ગ દર્શન અને મુખ્ય સંકલન આપણા ઉપ-પ્રમુખ શ્રી જયેન્દ્રભાઈ બી. વ્યાસ, અમદાવાદ એ  કરેલ છે તથા માહિતી એકત્રિત કરી વેબ સાઈટ માં અપડેટ કરવાનું કાર્ય સ્વ. શ્રી બાલકૃષ્ણ એન. વ્યાસના પૌત્ર અને યુવા કારોબારીના સભ્ય ચી. હિતેશ એચ. વ્યાસ, વડોદરા એ કરેલ છે. જેમનો મંડળ હૃદય પૂર્વક આભાર માને છે.